હૃદયના વાલ્વની સમસ્યાઓ
માનવ હૃદયને ચાર ખાનાં હોય છે અને એક ખાનામાંથી બીજા ખાનામાં લોહીને જવાની દિશા આપતા ચાર વાલ્વ હોય છે. લોહીના પરિભ્રમણમાં વાલ્વનો ખૂબ જ મહત્વનો ફાળો છે.
વાલ્વની મુખ્ય બિમારીમાં વાલ્વ સાંકડો થઈ જવો અથવા તો વાલ્વ લીક થવાની સમસ્યાનો સમાવેશ થાય છે. વાલ્વ સાંકડો થઈ ગયો હોય તો લોહી ધકેલવા માટે વધારે પમ્પીંગ કરવું પડે છે અને હૃદય પહોળું થતું જાય છે. સમયસર નિદાન ન કરાય તો હૃદય વધારે પહોળું થઈ જાય છે. અમુક તબક્કા સુધી પહોળા થયેલા હૃદયને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. વધારે પહોળા થયેલા હૃદયમાં ઓપરેશનનું જોખમ વધે છે અને જોઈએ તેવું પરિણામ મળતું નથી.
હૃદયના વાલ્વની સમસ્યાની શરૂઆતમાં ઘણીવાર લક્ષણો દેખાતાં નથી. શરીર તેને એડજેસ્ટ કરી લેતું હોય છે. ઘણીવાર સમસ્યા શરૂ થયા પછી ૫-૭ વર્ષ પછી લક્ષણો દેખાતાં હોય છે. આ લક્ષણોમાં શ્વાસ ચડવો, સોજા આવવા, પેટ ફૂલવું, લીવર ઉપર સોજો, કફ, રાત્રે શ્વાસ ચડે અને બેઠા થઈ જવું પડે, હૃદયના ધબકારા વધી જાય તથા લકવાની અસર પણ થતી હોય છે.
વાલ્વની સમસ્યા કયા કારણે ઉદ્દભવે છે
જન્મજાત કારણોથી અથવા તો ફરતા વા ને કારણે તેમજ ઉંમરને કારણે વાલ્વને ઘસારો પહોંચવાથી વાલ્વની સમસ્યા ઉદ્દભવતી હોય છે. ફરતા વા ની અસરને કારણે થતી વાલ્વની સમસ્યા પશ્ચિમના દેશોમાં ઘટતી જાય છે. ભારતના શહેરોમાં પણ આ સમસ્યાનું પ્રમાણ ઘટ્યું છે.
હૃદયના વાલ્વનો ઈલાજ કઈ રીતે થાય છે
સાંકડો વાલ્વ બલૂનથી ખોલી શકાય છે. બલૂનથી વાલ્વ પહોળો કરવામાં ૯૮ ટકા કિસ્સાઓમાં સફળતા મળે છે અને દર્દીને બેભાન કરવો પડતો નથી. અને એક દિવસમાં રજા આપવામાં આવે છે.વાલ્વની જન્મજાત સમસ્યા પણ બલૂન દ્વારા ઉકેલી શકાય છે. જે વાલ્વ લીકેજ કરતો હોય તો વાલ્વને રિપેર કરવામાં આવે છે અથવા નવો વાલ્વ નાખવો પડે છે.
ધાતુનો નવો વાલ્વ નાંખ્યો હોય તેવા કિસ્સામાં આખી જીંદગી લોહી પાતળું થવાની ગોળી લેવી પડે છે. હવે બાયો-ટીસ્યુના બનેલા વાલ્વ ઉપલ્બધ થયા છે. આવો વાલ્વ નાંખવામાં આવે ત્યારે દર્દીએ લોહી પાતળું કરવાની ગોળી લેવી પડતી નથી.
હવે ડાબી બાજુના વાલ્વ- એઓરટીક(ર્છીૈંષ્ઠ)નું રિપ્લેસમેન્ટ ઓપરેશન વગર થઈ શકે છે. આ પ્રોસિજરમાં પગની નસમાંથી ઉતારી વાલ્વ બદલી શકાય છે. આવા ઓપરેશન પછી દર્દીને બે દિવસમાં રજા આપી દેવામાં આવે છે. પશ્વિમી દેશોમાં આ પદ્ય્ધતિ ઘણી સામાન્ય છે. ભારત દેશમાં આ પદ્ય્ધતિ થોડા વખતમાં ચાલુ થઇ જશે. વાલ્વની સમસ્યાનું જેટલું વહેલું નિદાન થાય અને સમયસર ઇલાજ થાય તેટલું લાંબાગાળા માટે સારૂં પરિણામ પ્રાપ્ત થાય છે.