આ લેખમાં આપણે હૃદયની વિવિધ બીમારી ધરાવતી વ્યક્તિઓમાં દાંતની સારવાર દરમિયાન શું વિશેષ કાળજી રાખવી તેની ચર્ચા કરીશું.
વાલ્વની બીમારીવાળા દર્દીઓઃ
દાંતની કેટલીક સારવાર કે જેમાં લોહી નીકળવાની શક્યતાઓ હોય તે દરમિયાન વાલ્વની બીમારીવાળા દર્દીઓને વાલ્વમાં ઈન્ફેક્શન (એન્ડોકાર્ડાઈટીસ) થવાનું જોખમ રહે છે. આના બચાવ માટે સારવારનાં ૩૦ થી ૬૦ મિનિટ પહેલાં યોગ્ય એન્ટિબાયોટીક ઈન્જેક્ષન હાઈડોઝમાં નસમાં આપવા જરૂરી છે. (એસીસી/એએચએ માર્ગદર્શિકા મુજબ)
આ જ સાવચેતી કૃત્રિમ વાલ્વ ધરાવતા/વાલ્વ પ્રત્યારોપણનાં દર્દીઓ માટે પણ જરૂરી છે. એટલું જ નહિં, વાલ્વનાં દર્દીઓએ નિયમિતપણે ડેન્ટીસ્ટ પાસે દાંતનું ચેક-અપ કરાવવું જરૂરી છે. કારણ કે, પેઢાંમાં ઈન્ફેક્શન અથવા દાંતમાં સડો હોય તો ત્યાંથી બેક્ટેરિયા બ્લડમાં પ્રવેશી વાલ્વ પર આસાનીથી ઈન્ફેક્શન કરી શકે છે.
હાર્ટ એટેકવાળા દર્દીઓ / નબળા હૃદયવાળા દર્દીઓઃ
હાર્ટએટેકની સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ થયેલાં દર્દીઓની સારવાર,મહદ્અંશે સામાન્ય વ્યક્તિની સારવાર માફક કરી શકાય છે. પણ હૃદય નબળું પડી ગયું હોય તેવાં લોકોમાં કાર્ડિયાક મોનિટરીંગ અને ઓક્સિજનની આવશ્યકતા પડી શકે છે. ક્યારેક આવા દર્દીઓને હૃદયની દવાઓ-નાઈટ્રોગ્લીસરીન કે બીટા બ્લોકરની જરૂર પણ પડી શકે છે.
એન્જીયોપ્લાસ્ટી / બાયપાસ કરેલાં દર્દીઓ; લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તેવાં દર્દીઓઃ
એન્જીયોપ્લાસ્ટી કરેલા અને વિશેષ કરીને મેડિકેટેડ સ્ટેન્ટ મૂકેલાં દર્દીઓમાં એસ્પીરીન અને ક્લોપીડોગ્રેલ જેવી એન્ટીપ્લેટલેટ / લોહી પાતળું કરવાની દવા પ્રથમ ૧૨ મહિના સુધી ચાલુ રાખવી અનિવાર્ય હોય છે.
બાયપાસ કરેલા દર્દીઓમાં પણ ૬ થી ૧૨ મહિનાઓ સુધી આ જ વાત લાગુ પડે છે. દાંતની સારવાર માટે આ દવાઓ બંધ કરવી એ દર્દીનાં હૃદયનાં સ્વાસ્થ્ય માટે અતિ જોખમી પૂરવાર થઈ શકે છે.
આમ કરવાથી અમૂક દર્દીઓને લોહીનો ગઠ્ઠો જામી જવાથી સ્ટેન્ટ / નસ એકાએક બંધ થઈ જતાં મેજર હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. દાંતની કોઈ પણ સારવાર દરમિયાન આ દવાઓ બંધ ન જ કરવી.
બીજી તરફ ચાલુ દવા સાથે સારવાર કરતાં વધારે બ્લીડીંગ થવાની શક્યતા રહેલી છે જ. પરંતુ, ડેન્ટીસ્ટ જોડે સારવારનાં અન્ય વિકલ્પો (દાંત પાડવાનાં બદલે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ) અને બ્લીડીંગ ઓછું થાય/બંધ કરવાનાં ઉપાયો હોય જ છે.
લોહી પાતળું કરવાની વારફારિન/એસીટ્રોમ, એસ્પીરીન, કલોપીડોગ્રેલ, પ્રાસુગેલ, બ્રીલાન્ટા, Xeratlo એપેકસીબાન, પ્રાડાકસા જેવી વિવિધ દવાઓ સાથે પણ દાંતની સારવાર શકય છે
હાઈબ્લડ પ્રેસર / એન્જાઈનાનાં દર્દીઓઃ
દાંતની સારવાર દરમિયાન હાઈ બ્લડ પ્રેસર અથવા અન્જાઈના માટે ચાલતી બધી જ દવાઓ સમયસર લેવી જરૂરી છે. અન્યથા બીપી વધી જવાથી વધારે બ્લીડીંગ થવાની શક્યતા રહે છે. જો બીપી વધારે હોય તો દવાનો એક્સ્ટ્રા ડોઝ આપી, બીપી કાબુમાં આવ્યા પછી દાંતની સારવાર કરવી જોઈએ.
બીપીની સારવારમાં વપરાતી અમુક દવાઓ (કેલ્શિયમ ચેનલ બ્લોકર જેવી કે નીફેડિપીન, એમ્લોડિપીન વગેરે)થી પેઢા ફુલાઈ જાય છે.આવા કિસ્સાઓમાં ફિઝિશિયનની સલાહથી દવા બદલી શકાય અથવા ફૂલેલા પેઢાંની સારવાર કરાવી શકાય છે. ફૂલેલા પેઢાંમાં ઈન્ફેક્શન ન થાય તે માટે નિયમિત અંતરે દાંત સાફ કરાવવા (સ્કેલિંગ) ખૂબ જરૂરી છે. બીપીની અન્ય કેટલીક દવા(અર્કામીન)થી મોં સૂકવવાની ફરિયાદ તથા અમુક દવા (એસીઈ ઈન્હિબીટર)થી ખરાબ ટેસ્ટની ફરિયાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત પણ બીજી હૃદયની તકલીફો ધરાવતા દર્દીઓએ પોતાના ડેન્ટિસ્ટ/કાર્ડિયોલોજીસ્ટ સાથે ચર્ચા કરીને પછી જ આગળ વધવું જોઈએ.
સીમ્સ હોસ્પિટલમાં આવા દર્દીઓ પરની કાર્યવાહી ડેન્ટલ ચેર પર કાર્ડિયાક/ NIBP અને SP02 દેખરેખ હેઠળ કરવામાં આવે છે. કાર્ડીયોલોજીસ્ટ / ઈન્ટેન્સિવિસ્ટ/ ફિજિશિયનની મદદ સતત હાજર હોય છે.