તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજીંદી જીંદગી જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં દર વર્ષે ૫૦ % દર્દીઓ અને ૫ વર્ષમાં ૮૦ % દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. જ્યારે આવા દર્દીને નવું હૃદય મળે છે ત્યારે તેને નવું જીવન મળે છે અને તે દર્દી સામાન્ય જિંદગી જીવી શકે છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીના નબળા હૃદયને કાઢીને તેની જગ્યાએ દાતા(Donor’s Heart) ના હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
વિશ્વમાં અને ભારતમાં કેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે?
વિશ્વમાં દર વર્ષે સરેરાશ ૧૦,૦૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાંથી મોટા ભાગના ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે. અત્યાર સુધીમાં લગભગ ૧,૨૦,૦૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. તાજેતરના વર્ષોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ વધુ સુયોજિત રીતે થયો છે અને વિશ્વ ધોરણોની સમકક્ષ પરિણામ મળ્યા છે.
જ્યારે હૃદય આ રીતે નબળું હોય ત્યારે તેની જરૂર પડે છે તેના કારણો આ પ્રમાણે છેઃ
- હાર્ટ એટેક પછી હૃદયની કાર્યક્ષમતા અતિ નબળી હોય અને એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરીથી તે સુધરી શકે તેમ ન હોય.
- હૃદય ઉપર વાઇરસના કારણે સોજો આવવાથી હૃદય નબળું પડ્યું હોય(Dilated Cardiomyopathy)
- ખુબ જ આગળ વધી ગયેલ હૃદયના વાલ્વની બીમારી
- જન્મજાત હૃદયની બિમારી કે જેમાં ઓપરેશનથી પણ હૃદયની સારવાર શક્ય ન હોય.
- હૃદયના ધબાકારની કે સ્નાયુની જૈનીક (Genetic) બિમારી કે જેમાં બીજા ઉપાય શક્ય ન હોય.
ઉમેદવારી માટે મૂલ્યાંકન પ્રક્રિયા શું છે ?
તેના માટે નિષ્ણાંતોની ટીમ દર્દીની તપાસ કરે છે. આ ટીમ સામાન્ય રીતે કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન, કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર, સોશિયલ વર્કર, ડાયેટિશિયન અને સાયક્રેટીસ્ટની બનેલી હોય છે. દર્દીની તબીબી પરીક્ષામાં એ પરિક્ષણોનો સમાવેશ થાય છે જેના દ્વારા દર્દીની સમગ્ર શારીરિક સ્થિતિ જાણી શકાય છે. આ પરીક્ષણોમાં ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક કેથેટરાઇઝેશન, લીવર ટેસ્ટ, કીડની ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, સ્કીન ટેસ્ટ, કેન્સર ટેસ્ટ,એકસરસાઇઝ ટેસ્ટ, ડેન્ટલ તપાસ, પલ્મોનરી ફંકશન ટેસ્ટ, રિજેકશન અટકાવવા માટે ટીસ્યુ અને બ્લડ ટાઇપીંગ વેગેરનો સમાવેશ થાય છે.
દર્દી હૃદય માટે રાહ જોતો હોય ત્યારે બીમારી કથળે તો શું કરવું ?
ટ્રાન્સપ્લાન્ટ ટીમના સભ્યો નિયમિત રીતે ઉમેદવારોનું મૂલ્યાંકન કરીને હોસ્પિટલાઇઝેશન દ્વારા કે તેના વગર જરૂરિયાત પ્રમાણે તબીબી સારવારમાં ફેરફાર કરતા રહે છે. કેટલીક વખત મિકેનિકલ સક્ર્યુલેટરી સપોર્ટ (કુત્રિમ હૃદય)ના ઉપયોગની જરૂર પડે છે.
ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી કેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડશે?
કોઇ પણ કાર્ડિયાક સર્જરીની જેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ હોસ્પિટલમાં રિકવરીનો સમયગાળો આશરે ૧થી ૨ સપ્તાહનો હોય છે. કોઇ પણ પ્રકારની મુશ્કેલી પેદા થાય તો હોસ્પિટલમાં રોકાણ લંબાઈ શકે છે. આ સમયગાળામાં તમારી સતત દેખરેખ રાખવામાં આવશે જેથી તમારું નવું હૃદય વ્યવસ્થિત કામ કરતું રહે અને સર્જિકલ પ્રક્રિયા પછી કોઇ જટિલતા પેદા ન થાય. દર્દીનું શરીર નવા હૃદયનો અસ્વીકાર ન કરે તે માટે પણ તમને ખાસ દવાઓ આપવામાં આવશે. ડિસ્ચાર્જ કરવામાં આવે તે પહેલા દર્દીએ દવાઓને કઇ રીતે લેવી, કાપાની જગ્યાની કાળજી કઇ રીતે લેવી અને આઉટપેશન્ટ ક્લિનિકની ફોલો-અપ મુલાકાતો વિશે દર્દીને અને તમારા પરિવારને માહિતી અને સૂચના આપવામાં આવશે.
જુદી જુદી દવાઓ શેના માટે છે?
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારે ખાસ પ્રકારની દવાઓ લેવી જરૂરી હોય છે. દરેક દવા ચોક્કસ થેરેપ્યુટીક કારણોસર હશે. તેઓ ચાર મુખ્ય કેટેગરીમાં આવે છે.
ઇમ્યુનોસપ્રેસન્ટ્સઃ એવી દવાઓ શરીરની કુદરતી પ્રતિકારક શક્તિને ઘટાડી દે જેથી તે ટ્રાન્સપ્લાન્ટ (આરોપણ) કરાયેલા અવયવને સ્વીકારે
એન્ટીબાયોટિક્સ, એન્ટીવાઇરલ અને ફંગીસાઇડ્સઃ એવી દવાઓ જે તમારી કુદરતી રોગપ્રતિકારક શક્તિને નિષ્ક્રિય કરવામાં આવી હોય ત્યારે ચેપની શક્યતા ઘટાડે.
વિટામીન, મિનરલ્સ અને પોષક સપ્લીમેન્ટ્સઃ તે તમારા શરીરને ઝડપથી સાજા થવામાં અને યોગ્ય કામગીરી જાળવી રાખવામાં મદદ કરે છે.
કોરોનરી ધમનીઓની બીમારી અટકાવવા અને લોહીના દબાણનું નિયમન કરવાની દવાઓ.
મોટા ભાગની દવાઓ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી તાત્કાલિક લેવી પડશે. પ્રથમ વર્ષ દરમિયાન તમારી ટ્રાન્સપ્લાન્ટ ટીમ દવાઓને એડજસ્ટ કરી આપશે.
તેમાં કેટલીક દવાઓના ડોઝ ઘટાડવામાં આવી શકે અથવા અમુક દવાઓ સાવ બંધ કરી શકાય.
ટ્રાન્સપ્લાન્ટ બાદ કઇ મુશ્કેલીઓ માટે ધ્યાન રાખવું જરૂરી છે?
ટ્રાન્સપ્લાન્ટ પછી બે સૌથી સામાન્ય મુશ્કેલીઓ થઇ શકે છેઃ
- ચેપ – ખાસ કરીને પ્રથમ કેટલાક મહિનામાં. દર્દીને ચેપના કોઇ પણ લક્ષણ હોય તો ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્રનો સંપર્ક કરવો જરૂરી છે.
- રિજેક્શન – ટ્રાન્સપ્લાન્ટ બાદ તરત શરીર નવા હૃદયનો અસ્વીકાર કરવા તમામ પ્રયાસ કરે છે. રિજેક્શનનો ખતરો ટાળવા માટે દર્દીને ઇમ્યુનોસપ્રેસન્ટ્સનો ઊંચો ડોઝ લેવો જરૂરી થતો હોય છે.
રિજેક્શનની શી સારવાર છે?
જ્યારે રિજેક્શનની જાણકારી મળે ત્યારે તરત તેની સારવાર કરવી જાેઈએ.મોટા ભાગના લોકોને તેમના પ્રથમ એપિસોડ માટે ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેની સારવારમાં પ્રેડનિસોન (અથવા સ્ટીરોઇડ)નો ઊંચો ડોઝ આપવામાં આવે છે જે ઇન્ટ્રાવેનસલી (નસ દ્વારા) અથવા પ્રેડનિસોન ટેબ્લેટ વધારીને આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં તેનાથી રિજેક્શન પ્રક્રિયા ઉલ્ટાવી શકાશે.
દર્દી કેટલા સમયમાં કામ પર પરત જઇ શકે ?
દર્દી કેટલા સમયમાં કામ પર પરત ફરી શકશો તેનો આધાર દર્દીને કેવું લાગે છે અને તે શું કામ કરે છે તેના પર રહેલો છે. સર્જરીના કાપાની જગ્યા મટી જાય અને તમને સારું લાગે પછી તરત દર્દીને કામ પર પરત જવા માટે ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે વાત કરી દર્દીને તેઓ તૈયાર છે એવું લાગે અને ટ્રાન્સપ્લાન્ટ ટીમ પણ આ નિર્ણય તબીબી રીતે સુરક્ષિત હોવાનું માને પછી અમે દર્દીઓને કામ શરૂ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગના લોકો સર્જરી પછી છ મહિના બાદ ફરીથી કામ શરૂ કરી શકે છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ કેવું આવે છે?
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ૯૦ ટકા દર્દીઓ ૧ વર્ષ જીવી શકતા હોય છે અને ૫૦ ટકા દર્દીઓ ૧૦ વર્ષ જીવી શકે છે. આ પરિણામો કિડની ટ્રાન્સપ્લાન્ટના પરિણામ જેવા જ છે. એવા ઘણા દર્દીઓ છે જેઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ૩૪ વર્ષ સુધી જીવીત રહ્યા હોય. તેનો આધાર દર્દીનું શરીર દાતાના હૃદયને કેટલી સારી રીતે સ્વીકારે છે અને કેટલા ઓછા પ્રમાણમાં ઇમ્યુનોસપ્રેશન દવાઓનો ડોઝ લેવો પડે છે તેના પર રહેલો છે.
સીમ્સ હોસ્પિટલ શરૂ કરે છે
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હૃદય પ્રત્યારોપણ) ક્લિનિક
વધારે જાણકારી તથા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો : સુનિલ અગ્રવાલ (મો) ૯૪૨૬૮ ૮૦૨૪૭