એન્જિયોપ્લાસ્ટી એટલે કે રૂંધાયેલી નળીઓને ખોલવા માટેના ઈલાજ
એન્જિયોપ્લાસ્ટી શું છે ?
હૃદયની ધમનીઓના રોગમાં ધમનીઓ સાંકડી થઈ જાય છે આથી લોહી વહેવામાં અને તેને હૃદય સુધી પહોંચવામાં અવરોધ પેદા થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. એન્જિયોપ્લાસ્ટી વડે રૂંધાયેલી નળીઓ ખોલીને તેને વધારે લોહી પહોંચતુ કરી શકાય છે. એન્જિયોપ્લાસ્ટી એ બીમાર હૃદયને નવપલ્લવિત કરતી ચમત્કારિક ’પ્રોસિજર’ છે. આ ઓપરેશનમાં ૩૦ થી ૬૦ મિનિટનો સમય લાગે છે અને ૯૦ થી ૯૫ ટકા દર્દીઓમાં શસ્ત્રક્રિયાની જરૂરીયાતને દુર કરે છે.
એન્જિયોપ્લાસ્ટી અંગે વાત કરતાં પહેલાં એમાં વપરાતા સાધન કેથેટર અને સ્ટેન્ટ અંગે જાણવું જરૂરી છે. કેથેટર એ પાતળી વાળી શકાય તેવી ૨ મી.મી. સાંકડી, છેડા ઉપર નાનકડા ફુગ્ગા વાળી પ્લાસ્ટીકની નળી છે. સ્ટેન્ટ એ કમાન સ્પ્રીંગ જેવું ધાતુનુ સાધન છે, જેને ફુગ્ગા ઉપર મૂકવામાં આવે છે. ધમનીને ખુલ્લી રાખવા માટે તથા ફરીથી રૂંધાતી રોકવા માટે ધમનીની અંદર કેથેટર વડે સ્ટેન્ટ મૂકવામાં આવે છે.
એન્જિયોપ્લાસ્ટી કઈ રીતે કરાય છે?
એન્જિયોપ્લાસ્ટી બાયપાસ ઓપરેશનનો શસ્ત્રક્રિયા વગરનો વિકલ્પ છે, એમાં હૃદયની ધમનીઓ પહોળી કરીને અવરોધ દૂર કરાય છે. એન્જિયોપ્લાસ્ટી હાથ/કાંડામાં નાનું છિદ્ર કરીનેે થાય છે (વધારે માહિતી માટે ડો. સત્ય ગુપ્તાનો રેડીયલ એન્જિયોગ્રાફીનો લેખ વાંચો) . એમાં દર્દીને બેહોશ કરવો પડતો નથી અને હોસ્પિટલમાં માત્ર એકથી બે દિવસ જ રહેવું પડે છે. પીટીસીએ એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી તરીકે ઓળખાતી પ્રક્રિયામાં દર્દીને સાથળ ઉપર નાનું ઈન્જેકશન આપી બેભાન કરાય છે. એ પછી બે મી.મી. જેટલી સાંકડી સ્ટ્રો જેવી પાતળી નળીને હાથ/કાંડાની ધમનીમાંથી પસાર કરવામાં આવે છે. આ નળીમાંથી ખાસ પ્રકારનું માર્ગદર્શક કેથેટર પસાર કરવામાં આવે છે અને તેના છેડાને ધમનીમાં સરકાવવામાં આવે છે. ત્યારબાદ હૃદયની ધમનીમાંના અવરોધમાંથી એક પાતળા વાયરને આરપાર પસાર કરવામાં આવે છે. આ વાયરની ઉપરથી, અવરોધના સ્તર સુધી એક પાતળા ફુલાવી શકાય તેવા ફુગ્ગાને પસાર કરવામાં આવે છે. ફુગ્ગો બરોબર અવરોધની જગ્યાએ આવે એટલે તેને ફુલાવવામાં આવે છે. આ ફુગ્ગો ચરબીના થર ઉપર દબાણ આપી ધમનીને ખેંચીને અવરોધને ખુલ્લો કરે છે.
સામાન્ય રીતે ફુગ્ગા વડે એેન્જિયોપ્લાસ્ટી કરવાથી ધમની પોતાના મૂળ માપના પ્રમાણમાં ૭૦ થી ૮૦ ટકા જેટલી ખુલી જાય છે. તેમાં થોડો અવરોધ તો રહે જ છે, જેના માટે સૌથી અદ્દભૂત સાધનોમાંનું એક એટલે કે ’સ્ટેન્ટ’નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેન્ટ બૉલપેનની સ્પ્રીંગના કદનું નાનકડી સ્પ્રીંગ જેવું ધાતુનું સાધન છે. જો સ્ટેન્ટ મૂક્યા પછી ૬ મહિના સુધી અવરોધ પેદા ન થાય તો રૂંધાયેલી ધમની હંમેશ માટે ખુલ્લી રહે છે અને સ્ટેન્ટ વડે મોટાભાગના અવરોધનું કાયમ માટે નિવારણ થઈ જાય છે.
ડ્રગ એલ્યુટીંગ (દવા વાળી) સ્ટેન્ટ એ શું છે ?
હવે એક ખાસ પ્રકારની દવાના આવરણવાળી સ્ટેન્ટ પણ મળે છે, કે જે બેસાડ્યા પછી થોડાં અઠવાડિયાં સુધી તે ઇવેરોલીમસ, ઝોટોરોલીમસ, રેપામાયસિન અથવા પેક્લિટેક્સલ જેવી દવા છોડતી રહે છે. આથી સોજો અને ધમનીની માંસપેશીનો વધુ પડતો વિકાસ થતાં અટકે છે અને ધમનીમાં ફરીથી અવરોધ પેદા થવાની શક્યતા ૨ થી ૫ ટકા જેટલી ઓછી થઇ જાય છે. અમેરિકામાં હવે ૯૦ ટકાથી વધુ આ પ્રકારની સ્ટેન્ટ જ વપરાય છે.
એન્જિયોપ્લાસ્ટીમાં અન્ય કોઈ સાધનો વપરાય છે ખરા?
હા, આ પ્રક્રિયામાં પરિભ્રમણ કરતી ડ્રીલ (રોટા બ્લેટર) વપરાય છે, જે હૃદયની ધમનીમાંથી ચરબીના સ્તરને સાફ કરવામાં મદદ કરે છે. ડાયરેક્શનલ કૉરોનરી ઍથીડેક્ટોમી એક પરિભ્રમણ કરતું કટર વાપરે છે જે ધમનીના અવરોધને છોડી નાંખે છે. ક્યારેક ખાસ ’કટિંગ’ કરતા ખાસ ફુગ્ગા ધમનીને ખોલવા માટે વપરાય છે. ધમનીનો અવરોધ બાળવા માટે લેસર કિરણોનો ઉપયોગ થયો છે પણ તેમાં ખાસ સફળતા મળી નથી.
એન્જિયોપ્લાસ્ટીમાં અદ્યતન શું છે?
અમુક કિસ્સાઓમાં હૃદયની ધમનીને પૂરેપૂરી ખોલવા છતાં તેમાંથી લોહી વહેતું નથી, કારણ કે ચરબીના થરનો સૂક્ષ્મ કચરો ઝીણી ઝીણી રક્તવાહિનીઓના રસ્તામાં અવરોધ કરે છે. ડિસ્ટલ પ્રોટેક્શન ડિવાઈસ અથવા ફીલ્ટર ડિવાઈસ ચરબીના આવા સૂક્ષ્મ કચરાને દૂર કરીને લોહી વહેતુ કરે છે.