કેન્સર વિશે થોડું વધારે જાણો

ભારતમાં કેન્સરનું પ્રમાણઃ

ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરનાં નવાં ૮ લાખ દર્દીઓ જોવા મળે છે, ઉપરાંત ૨૪ લાખ જૂનાં દર્દીઓ છે. ૪૮ % પુરૂષોમાં અને ૨૦ % સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન (બીડી-સિગારેટ, ગુટખા, પાન મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરૂષો તથા સ્ત્રીઓ બંને જાતિઓમાં મોં અને ગળાનું કેન્સર, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના ૫૦ % થી વધુ જોવા મળે છે. આ ત્રણ પ્રકારના કેન્સર,

૧.       જાત તપાસ દ્વારા જલદીથી શોધી શકાય છે.

૨.       તેનું વહેલું નિદાન થઇ શકે છે.

૩.       શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો આ પ્રકારનાં કેન્સર સંપૂર્ણપણે મટાડી શકાય છે.

કેન્સરના લક્ષણોઃ

૧.       લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ

૨.       સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.

૩.       યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું.

૪.       લાંબો સમય અવાજ બેસી જવો.

૫.       ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.

૬.       લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર.

૭.       શરીરમાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી.

૮.       ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર.

૯.       શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું.

૧૦.     તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર

ઉપરોક્ત લક્ષણો આમ તો સામાન્ય બીમારીમાં પણ જોવા મળે છે. પણ જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાની સારવારથી ઉપરોક્ત લક્ષણો દૂર ના થાય તો તેના તરફ ધ્યાન આપીને તેની તરત, ડોક્ટરી તપાસ, નિદાન તેમજ સારવાર કરાવવી જોઇએ.