હૃદયની સામાન્ય માહિતી

હૃદયની સામાન્ય માહિતી

વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર ભારતીયોમાં હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે. હૃદયરોગ હવે ઓછી ઉંમરના લોકો પર પણ ત્રાટકી રહ્યો છે. હાલમાં ૧૦ કરોડથી પણ વધુ ભારતીયો હૃદયની ધમનીના રોગથી પીડાય છે. એક અંદાજ મુજબ ૨૦૨૦ની સાલ સુધીમાં વિશ્વના તમામ હૃદયરોગીઓમાં અડધોઅડધ ભારતના હશે, તથા ભારતમાં મૃત્યુનું મુખ્ય કારણ હશે હૃદયરોગનો હુમલો. ખરેખર, હૃદયરોગ વિશે જાણવાનો સમય પાકી ગયો હોય એમ નથી લાગતું?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇલેક્ટ્રિક પમ્પ

હૃદયને પરમકૃપાળુ પરમાત્માનો ચમત્કાર કહી શકાય. મુઠ્ઠીના કદનો આ અવયવ જીવનભર આપણા આખા શરીરમાં લોહી પહોંચાડતો રહે છે. આ લોહી દ્વારા જ શરીરમાં બધે ઑક્સિજન (પ્રાણવાયુ) અને પોષક તત્ત્વો પહોંચે છે તથા લોહી દ્વારા જ શરીરના કચરાનો અને કાર્બન ડાયૉક્સાઈડ (અંગારવાયુ)નો નિકાલ થાય છે. આપણે આપણા હૃદયની ઉત્તમ કામગીરીની હંમેશાં ઉપેક્ષા જ કરીએ છીએ. હા, બીમાર પડીએ તો તરત જ ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ પણ ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે.

હૃદય પાસે તેનું પોતાનું ઇલેક્ટ્રિકલ જનરેટર છે, જે હૃદયને નિયમિત સમયાંતરે દર મિનિટે ૬૦ થી ૮૦ વખત ધબકાવે છે.

 

હૃદયની રચના અને તેના ખંડો

હૃદયની તુલના એક ચાર રૂમના ફ્લૅટ સાથે કરી શકાય, કારણકે હૃદયની અંદર પણ ચાર ખંડો હોય છે. જેમ ફ્લૅટના રૂમોની વચ્ચે અવરજવર માટે દરવાજા હોય છે તેમ હૃદયના ખંડોની વચ્ચે વાલ્વ તરીકે ઓળખાતા પડદા હોય છે. લોહીની અવરજવર વખતે એમની ઉઘાડવાસ થતી રહે છે.

ફ્લૅટમાં આપણે ગમે તે રૂમમાંથી ગમે તે રૂમમાં જઈ શકીએ છીએ, પણ હૃદયની અંદર ફરતું લોહી અમુક ખંડમાંથી અમુક ખંડોમાં અમુક દિશામાં જ જઈ શકે. લોહી ખોટા ખંડોમાં અથવા ઊંધી દિશામાં જાય તો તે બીમારીનું લક્ષણ કહેવાય.

 

ચક્ર ચાલતું જ રહે છે

હૃદયના ચાર ખંડો પૈકી બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે. કર્ણકો શરીર તેમજ ફેફસામાંથી લોહી સ્વીકારે છે અને આ લોહીને ક્ષેપકોમાં ધકેલે છે. ક્ષેપકો એ લોહીને પાછું આખા શરીરમાં તેમજ ફેફસામાં મોકલે છે. એ રીતે કર્ણકો અને ક્ષેપકો પંપનું કામ કરી લોહી ફરતું રાખે છે.

જો ક્ષેપકો ઉપર વધુ બોજ પડે તો હૃદય ધીમે ધીમે નબળું પડી જાય છે.

વિશાળ મહાધમની (એઓેર્ટા) અને ફેફસાની ધમનીઓ — (પલ્મોનરી આર્ટરી)માં લોહીને ધકેલવા માટે ક્ષેપકો સંકોચાય છે. પડદા (વાલ્વ)ની ઉઘાડવાસને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય દિશામાં જળવાઈ રહે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ટ્રાયકસ્પીડ વાલ્વ હોય છે અને ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચે માઇટ્રલ વાલ્વ હોય છે.

લોહી કાયમ કર્ણકોમાંથી ક્ષેપકોમાં જાય. ધારો કે એ ઊંધી દિશામાં જાય તો એ બીમારીનું લક્ષણ કહેવાય.

માઇટ્રલ અને ટ્રાયકસ્પીડ વાલ્વ સિવાય મહાધમની અને ફેફસાની ધમનીના મૂળમાં પણ વાલ્વ હોય છે. એને એઓર્ટિક વાલ્વ (મહા ધમનીના મૂળમાં) અને પલ્મોનરી વાલ્વ (ફેફસાની ધમનીના મૂળમાં) કહેવાય છે.

આવી રીતે હૃદયમાં કુલ ચાર વાલ્વ હોય છે. આમાંથી કોઈ પણ વાલ્વમાં રોગ થવાથી હૃદયની કાર્યક્ષમતા ઘટી જાય છે અને બીમારીને નોતરે છે.

 

લોહી પાછું કેવી રીતે આવે?

 

શિરાઓ દ્વારા લોહી પાછું હૃદય સુધી પહોંચે છે. ઝરણાં ભેગાં મળીને નદી બને એમ નાની શિરાઓ ભેગી મળીને મોટી શિરાઓ બનાવે છે, અને તે ફરી ભેગી મળીને સૌથી મોટી બે શિરાઓ — ઊર્ધ્વ મહાશિરા (સુપીરીઅર વેના કેવા) અને અધો મહાશિરા (ઈનફીરીઅર વેના કેવા)  બનાવે છે. આ સૌથી મોટી બે શિરાઓ વડે લોહી પાછું હૃદયના જમણા કર્ણકમાં પહોંચે છે. આ લોહીમાં ઍાક્સિજન ઓછું હોય છે. એને ઑક્સિજનયુક્ત કરાવવા તે લોહી જમણા કર્ણકથી જમણા ક્ષેપકમાં ધકેલવામાં આવે છે અને ત્યાંથી તે ફેફસાની ધમની વાટે ફેફસામાં ઑક્સિજનયુક્ત બનવા જાય છે.

લોહી ઑક્સિજનયુક્ત થયા બાદ ડાબા કર્ણકમાં આવે છે, ત્યાંથી માઇટ્રલ વાલ્વમાંથી પસાર થઈને ડાબા ક્ષેપકમાં પહોંચે છે અને ડાબા ક્ષેપકના શક્તિશાળી સંકોચનના કારણે મહાધમનીમાં ધકેલાઈ જાય છે. બંને કર્ણકો વચ્ચે અને બંને ક્ષેપકો વચ્ચે રહેલી દીવાલ ઍાક્સિજન વગરના અને ઍાક્સિજનયુક્ત લોહીને અલગ રાખે છે. આ દીવાલોની અંદરની કોઈપણ ખામી અથવા દીવાલોમાં કાણાના કારણે આ બે જાતનાં લોહી ભેગા થઈ જાય છે તો બીમારી સર્જાય છે. આ પ્રકારની ખામીઓ સામાન્ય રીતે જન્મજાત હોય છે, અને શસ્ત્રક્રિયાથી અથવા આંતરિક હસ્તક્ષેપવાળી (ઈન્ટરવેન્શનલ) વિના શસ્ત્રક્રિયાની સારવારથી તેને સુધારી શકાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હૃદયનો લોહીનો પુરવઠો

એક રીતે જોતાં, હૃદયને તમે એક સેવાભાવી સંસ્થા સાથે સરખાવી શકો છો જે પોતે નિરંતર નિઃસ્વાર્થ ભાવે અન્ય અંગોની સેવા કર્યા કરે છે. જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થાય ત્યારે હૃદયને પૂરતું લોહી મળતું નથી. આને હૃદયની ધમનીનો રોગ (Coronary Artery Disease) કહેવાય.

હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ સાંકડી થવાથી ઍન્જાઇના’ (છાતીનો દુઃખાવો)થાય છે, જ્યારે એમાં સંપૂર્ણપણે અવરોધ આવી જવાથી હૃદયરોગનો હુમલો આવે છે, જેને આપણે હાર્ટ ઍટૅકતરીકે ઓળખીએ છીએ.

Our HOSPITAL

CIMS Hospital, Ahmedabad

Call us

We are available 24/7

CONTACT Us

Get in Touch

15 + 2 =