વહેલી  સવારે  મારા  એક  ડોક્ટર  મિત્રનો  ફોન  આવ્યો  કે  મારા  ઓળખીતા  દર્દી  જે  મારી  હોસ્પિટલમાં  છે  જેમનું  અચાનક  હૃદય  બંધ  થઇ  ગયુ  છે. મેં તાત્કાલિક  સીમ્સ  હોસ્પિટલની  એમ્બ્યુલન્સ,  એનેસ્થેટીસ્ટ  ડોક્ટર  તથા  તેમની  એક્સપર્ટ  ટીમ  સાથે  રવાના  કરી.  જ્યારે  તે  ટીમ  દર્દી  પાસે  પહોંચી ત્યારે  દર્દીનું  હૃદય  બંધ  થઇ  ગયુ  હતું અને  ત્યાંના  ડોક્ટરે  કાર્ડિયાક  મસાજ  આપી  હૃદયને  ચાલુ  કર્યુ  હતુ  પણ  હૃદયના  ધબકારા  માત્ર  ૩૦  જ  હતા. તાત્કાલિક  તે  દર્દીને  વેન્ટીલેશન  પર  લઇ  લાઇફસેવિંગ  ઇન્જેકશન  આપી  સીમ્સ  હોસ્પિટલની  કેથલેબમાં  શીફ્ટ  કરવામાં આવ્યા  અને  તાત્કાલિક હૃદયના  ધબકારા  વધારવા  માટેનું  પેસમેકર  પગની  નસમાંથી  મુકવામાં  આવ્યુ.  દરમ્યાનમાં  બે  વખત  તેમનું  હૃદય  બંધ  થયુ  હતુ  અને  મસાજ  કરી ચાલુ  કરવામાં  આવ્યુ  હતું  અને  કાર્ડિયોગ્રામ હૃદયરોગના  ભારે  હુમલો  હોય  તેવું  બતાવતુ  હતુ. એન્જિયોગ્રાફીમાં તેમની જમણી બાજુની મુખ્ય નળી લોહીનો ગઠ્ઠો જામવાને કારણે સંપુર્ણ બંધ થઇ ગઇ હતી (ફોટો-૧).

તાત્કાલિક  એક સક્સન  કેથેટર મુકી અને લોહીનો  ગઠ્ઠો  કાઢવામાં  આવ્યો (ફોટો-૨)  અને ત્યાં  સ્ટેન્ટ  મુકવામાં આવ્યો (ફોટો-૩).  તેમનું  બ્લડ પ્રેશર શરૂઆતમાં જે ઓછું હતું  તે  ધીરે  ધીરે  સામાન્ય થયુ. એ  વખતે  અમને  એ  જ  ચિંતા  હતી  કે  તેમને  જ્યારે તેમનું  હૃદય  બંધ  પડ્યુ  ત્યારે  મગજમાં  લોહી  ન  પહોંચવાને  કારણે  તેમને  મગજમાં  વધારે  પડતું  નુકશાન  તો  નહીં  થયુ  હોય  ને. દર્દીને આઇસીસીયુમાં શીફ્ટ કરવામાં  આવ્યાં. તેમના  સગા  મારી પાસે  આવ્યા અને કહેવા  લાગ્યા કે  ગમે  તેમ  કરીને  તેમને  બચાવો.  મારે પણ  એ તબક્કે  કહેવું  મુશ્કેલ  હતું  કે  તે  સામાન્ય  થશે  કે  નહીં. તે  દર્દીને  છેલ્લા  ૩  દિવસથી  છાતીનો  દુઃખાવો  થતો  હતો  જે  એટેક  પહેલાનાં  ચિહ્નો  જેવો  હતો.  ડોક્ટરે  તેમને  તાત્કાલિક  એન્જિયોગ્રાફીની  સલાહ આપી હતી  પણ  તેમને  ઘરમાં  કોઇ  સામાજિક  પ્રસંગ  હોવાથી એન્જિયોગ્રાફી અઠવાડિયા પછી  કરવાનું  વિચાર્યુ  હતું.  એ ૫૮  વર્ષના  દર્દી  હતા

જેમણે  આખી  જિંદગી  સર્વિસ  કરી  હતી  અને  બે  મહિના  પછી  રીટાયર્ડ  થવાના  હતાં અને  અને  રીટાયર્ડ  થયા  બાદ  જિંદગી  માણવાના  હતાં. ૧૨  કલાક  પછી  આઇસીસીયુમાં  તેમને  ભાન  આવ્યુ,  કાર્ડિયોગ્રામ,  બ્લડ  પ્રેશર  અને  ધબકારા  નિયમિત  થઇ  ગયા  હતા. ચોથા  દિવસે  તેમને  રજા આપવામાં  આવી.  આ  વાતને  આજે  ૩  વર્ષ  થઇ  ગયા  આજે  પણ  એ  દર્દી  મને  રેગ્યુલર  બતાવવા  આવે  છે  અને  રિટાયર્ટ  લાઇફ  તેમના  કુટુંબ  સાથે એન્જોય  કરે  છે. બે  વખત  તો  તે  વિદેશ  પણ  જઇ  આવ્યા.  દર  દિવાળીએ  તે  મને  આભાર  વ્યક્ત  કરે  છે  કે  આ  દિવાળી  હું  તમારે  કારણે  જાuઇ  શક્યો. તેમના  સગા  દર  વખતે  મને  કહે  છે  કે  સાહેબ  અમે  બચી  ગયા  નહિંતર  એક  ફેમીલી પ્રસંગ  માટે એન્જિયોગ્રાફી  કરવાનું  મોડું  કરતા  હતા  તેમાં  ઘણા  બધા  ફેમિલીના  ફંકશનમાં  હાજરી  ન  આપી શક્યા  હોત  અને  તેમને  અનુભવ્યુ  કે  તાત્કાલિક  સારવાર  સમયસર  મળી  જાય  તો  હૃદયની બીમારીમાં  લાંબી  એક્ટિવ  જિદગી  જીવી  શકાય  છે.  જેમ  ગુજરાતીમાં  કહ્યું  છે  કે  ‘અણી  ચુક્યો  તે સો  જીવે’  તે  અહીં  સાર્થક  થાય  છે.