“ઓ સુરજ ચંદ્ર સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ

આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલુ છુ.”

પગ ! કેટલું મહત્વનું અંગ છે, એ તેઓ જ સમજી શકશે જેમણે કોઇ કારણોસર પગ ગુમાવ્યો છે. માનવીના પગ એ કુદરતે બક્ષેલી અમૂલ્ય ભેટ અને જટિલ કાર્ચરચનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પગની સપ્રમાણ કાર્યરીતિ માણસને ઉઠવા-બેસવા, ચાલવા અને બીજા તમામ કાર્યોમાં ચાવીરૂપ ભાગ ભજવે છે.

હવે વાત કરીએ ડાયાબિટીસને લીધે પગ પર તોળાતા

જોખમની ! ડાયાબિટીસ (મધુપ્રમેહ)માં શરીરમાં ઇન્સ્યુલિનની ખામીને લીધે શર્કરા (સુગર)નું પ્રમાણ વધે છે અને ચેતાતંતુ, લોહીની નળીઓ (નસો), સ્નાયુ તેમજ હાડકા અને કીડની પર તેની ગંભીર અસરો થઇ શકે છે. હાલમાં વૈશ્વિક સ્તરે થયેલા સંશોધન મુજબ ઇ.સ. ૨૦૨૦ સુધીમાં ભારત દેશ દુનિયાનું ’ડાયાબિટીસ કેપિટલ’ હશે અને કરોડો લોકો તેની અસર હેઠળ આવતા ડાયાબિટીક ફૂટની જટિલ સમસ્યા અને તેના કોમ્પિલકેશન્સ વધવાની પુરી સંભાવના છે. બીજા એક સંશોધન મુજબ ડાયાબિટીક ફૂટ એ એમ્પ્યુટેશન (પગનું વિચ્છેદન) નું અગ્રીમ કારણ છે અને એમ્પ્યુટેશન બાદ વ્યક્તિને યોગ્ય સારવાર તથા માર્ગદર્શન ન મળતાં ૫ વર્ષના ટૂંકા સમયગાળામાં અકાળે મૃત્યુ તેમજ માનસિક અને વ્યવસાયિક તકલીફો વધે છે.

સીમ્સ હોસ્પિટલ ‘વાસ્ક્યુલર સર્જરી ડીવીઝન’ દ્વારા કોમ્પ્રિહેન્સીવ ડાયાબિટીક ફૂટ કેર પ્રોગ્રામ શરૂ કરાયેલ છે જેના અંતર્ગત વાસ્ક્યુલર સર્જન, ડાયાબિટોલજિસ્ટ, પોડિયાટ્રીસ્ટ તેમજ ઓર્થોટીસ્ટ જેવા નિષ્ણાતોની ટીમ કોઇપણ પ્રકારના ડાયાબિટીક ફૂટ પ્રોબ્લેમ્સની સારવાર માટે અત્યાધુનિક ટેકનોલોજી અને જ્ઞાનકૌશલ્યથી સજ્જ છે. તો ચાલો તમને ટૂંકમાં આ ગંભીર સમસ્યાની સરળ જાણકારી આપીએ.

ડાયાબિટીસના દર્દીના પગ જુદા જુદા સ્ટેજ (તબક્કાઓ)માંથી પસાર થાય છે. ડાયાબિટીસ મૂળભુત રીતે ૩ સીસ્ટમ પર અસર કરે છે.

૧.  ડાયાબિટીક એન્જિયોપથી (લોહીની નળીઓની બીમારી કે બ્લોક)

૨.  ડાયાબિટીક ન્યુરોપથી (ચેતાતંતુઓની બીમારી)

૩.  ડાયાબિટીક ફૂટ ડીફોર્મીટીસ – ખોડ (હાડકા તથા સ્નાયુઓમાં થતા ફેરફારો)

શરૂઆતના તબક્કામાં પગમાં ખાલી ચઢવી, સંવેદના ઘટવી, બળતરા કે કાંટા જેવી સંવેદના થવી જેવા ન્યુરોપથીના લક્ષણો જોવા મળે છે. લાંબા ગાળાની અસર બાદ ધમનીઓમાં અસર થતા ચાલવામાં તકલીફ અને ‘ઇન્ટરમીટન્ટ કલૌડીકેશન’ જેવા લક્ષણો જોવા મળે છે. આ તબક્કે યોગ્ય સારવાર ન મળે તો Critical Leg Ischemia’  એટલે કે ગંભીર લોહીની ઉણપને લીધે પગમાં ચાંદુ પડવું, ઇંફેકશન થવું અને અંતે ગેંગ્રીન થવુ જેવા કોમ્પિલકેશન થઇ શકે છે. કેટલાક દર્દીઓમાં માત્ર ન્યુરોપથીક અલ્સર (ચાંદુ) પણ જોવા મળે છે જેનું કારણ અયોગ્ય માપના જૂતા અથવા કાળજીરહિત નખ કાપવાની પ્રક્રિયા પણ હોઇ શકે છે. કારણ ન્યુરોપથી હોય કે વાસ્ક્યુલોપથી, યોગ્ય માર્ગદર્શન તથા સારવારના અભાવે દર્દીઓ લાંબો સમય ઇંફેકશન અને અલ્સરવાળા પગ લઇને હેરાન થયા કરે છે અને અંતે લાચાર થઇ એમ્પ્યુટેશનનો ભોગ બને છે. શહેરોથી દૂરના વિસ્તારોમાં કેટલાય દર્દી ડાયાબીટીક ફૂટ ગેંગ્રીનમાંથી સેપ્ટીસેમિયા (શરીર પર ઇન્ફેકશનની ગંભીર અસર)નો ભોગ બની મરણને શરણ થાય છે. આજના આધુનિક યુગમાં જ્યારે દરેક બીમારીનું નિદાન અને સારવાર શક્ય છે ત્યારે જરૂર છે માત્ર લોકજાગૃતિ અને જનરલ પ્રેકટીશનર દ્વારા દર્દીને યોગ્ય માર્ગદર્શનની.

ડાયાબિટીક ફૂટનું નિદાન

ક્લિનિકલ ચેકઅપ, લોહીના ટેસ્ટ, ડોપ્લર સ્કેન, વાઇબ્રોથર્મ કે મોનોફિલામેન્ટ ટેસ્ટીંગ અને જરૂર પડે એન્જિયોગ્રાફી યા સીટી સ્કેન કરવામાં આવે છે.

સારવાર

(૧) ડાયાબિટીસનો કંટ્રોલ : દવા કે ઇન્સ્યુલિન થી

(૨) ન્યુરોપથી પ્રીવેન્શન : ચેતાતંતુનો બગાડ અટકાવતી દવા પધ્ધતિ

(૩) ડીબ્રાઇડમેન્ટ : પગના ઇંફેકશનની ઓપરેશન દ્વારા સફાઇ અને યોગ્ય એન્ટિબાયોટિક દવાઓ દ્વારા ઝડપી સુધારો

(૪) રીવાસ્ક્યુલરાઇઝેશન : પગની એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ઓપરેશન દ્વારા  લોહી પહોંચાડવાની પ્રક્રિયા

પ્રીવેન્શન (અટકાયત)

ચહેરા કરતા પગને વધુ સમય આપો અને અરીસાનો ઉપયોગ ચહેરો નહી પણ પગનાં ચીરા તથા કણી જોવા કરો.

આ ઉપરાંત નીચે જણાવેલ મુદ્દાઓનું ધ્યાન આપો

(૧) પગનું રોજ નિરીક્ષણ કરો : ચીરા, ડાઘ કે કણી થઇ હોય તો તાત્કાલિક તમારા વાસ્કયુલર સર્જનને મળો

(૨) દર ૬ મહિને જુતાની સાઇઝ (માપ) ચેક કરાવો. જેથી પગપર બિનજરૂરી દબાણ ન આવે

(૩) પગને ધોઇને રોજ બે વાર સાફ કરો

(૪) મોસ્ચ્યુરાઇઝર (ક્રીમ) લગાડી ચામડી સુકાઈ જતી અટકાવો

(૫) જુતામાં પગ નાખતા પહેલા હાથ નાખી ચેક કરો. કોઇ ખીલી કે કાંકરી તો નથી ને !

આટલુ ન કરો

(૧) ધુમ્રપાન ન કરો. બીડી-સીગારેટ લોહીની નળીના બ્લોક વધારે છે

(૨) ફીટ જુતા કે મોજા ન પહેરો

(૩) ખુલ્લા પગે ન ચાલો

(૪) કણી કે ઇનગ્રોંઇગ નેઇલ (નખ)ને જાતે ન કાપો

તો વાચક મિત્રો, તમને ડાયાબિટીસ તથા ડાયાબિટીક ફૂટ કેરની પ્રાથમિક જાણકારી તથા સારવારની પ્રારંભિક રૂપરેખા આપતા હું ઘણો આનંદ અનુભવુ છુ. જાગૃત રહો અને અમારા ’હેલ્ધી લેગ્સ ઇનિશિયેટીવ – તંદુરસ્ત પગ અભિયાન’માં સક્રિયપણે ભાગ લઇ બીજાને જાગૃતિ આપો અને એમ્પ્યુટેશનથી પડતા સામાજિક બોજાને હળવો કરવામાં અને જિંદગીભર પોતાના જ પગે દોડતા રહેવામાં પોતાની તથા સમાજની અમૂલ્ય મદદ કરો.