ભારે દમની સરળ સારવાર

ભારે દમ એટલે શું ?

દમ એ શ્વાસનળીમાં સોજો આવવાથી થતો રોગ છે અને ભારે દમ એટલે કે એવો દમ કે જેમાં પૂરતા પ્રમાણમાં પમ્પ, દવાઓ ઉપરાંત મોઢેથી સ્ટીરોઇડની ગોળીઓ આપવા છતાં દમ કાબુમાં ના આવતો હોય.

ભારે દમના કારણો શું છે ?

  • દવા નિયમિત ના લેવી
  • પમ્પ લેવાની પધ્ધતિ બરાબર ના હોય
  • લાંબા ગાળાનો દમ કે જેમાં યોગ્ય સારવાર ના થઇ હોય
  • વાતાવરણની એલર્જી
  • એલર્જિક શરદી
  • ફેફસામાં ચેપ હોવો
  • એસિડિટી
  • નિદાન બરાબર ના હોવું
  • સ્ટીરોઇડ રેઝીસ્ટન્સ

ઉપર જણાવ્યા તે બધા કારણોમાંથી મોટા ભાગના કારણો અટકાવી શકાય તેવા હોય છે. આપણે આ બધા કારણો વિશે ક્રમવાર ચર્ચા કરીશુ

દવા નિયમિત ના લેવી : ભારે દમ અથવા તો દમ કાબૂમાં ના આવવાનું પ્રથમ કારણ દર્દી દવા નિયમિત ના લેતા હોય અથવા તો પમ્પ જાતે જ બંધ કરી દદેતુ હોય તે છે. ઘણા દર્દીઓને પમ્પ લેવામાં સંકોચ થતો હોય છે. આ એક મોટી માન્યતકા છે. પમ્પ એ જ દમની મુખ્ય દવા છે અને તે નિયમિત લેવાથી તેની કોઇ આદત પડતી નથી. તેથી આવા દર્દીને તેના રોગ વિશે અને તેની સારવાર વિશે સાચી સમજ આપવામાં આવે અને દર્દી નિયમિત પમ્પથી સારવાર લે તો દમ સરળતાથી કાબૂમાં આવી શકે છે. 

પમ્પ લેવાની પધ્ધતિ બરાબર ના હોય : દમ કાબુમાં ના આવવાનું બીજુ કારણ છે કે દર્દીને પમ્પ કેવી રીતે લેવો તેની સમજણ ના પડી હોય અથવા તો ડોક્ટર દ્વારા તેની સમજ ના આપવામાં આવી હોય. જો દર્દી યોગ્ય રીતે પમ્પ ના લે તો દવા બરાબર ફેફસામાં પહોંચતી નથી અને દમ કાબુમાં આવતો નથી. આવા દર્દીને જો પમ્પ કેવી રીતે લેવો તેની યોગ્ય સમજ આપવામાં આવે તો દમ સહેલાઇથી કાબુમાં આવી જાય છે. 

લાંબા ગાળાનો દમ કે જેમાં યોગ્ય સારવાર ના થઇ હોય : ઘણી વખત લાંબા ગાળાનો દમ કે જેમાં ડોક્ટર દ્વારા નિદાન મોડું થયું હોય અથવા તો તેની સારવાર યોગ્ય ના થઇ હોય તો તેવા દર્દીની શ્વાસનળીમાં સોજો કાયમી થઇ જાય છે અને તે ઘણા બધા પ્રકારની દવાઓ આપવા છતાં પૂરેપૂરો ઓછો થતો ની. તેથી દમ સહેલાઇથી કાબુમાં આવતો નથી. આ કારણે જ એવું કહેવાય છે કે દમની સારવાર નિષ્ણાત ડોક્ટર પાસે જ કરાવવી જોઇએ કે જેથી તેની સારવાર યોગ્ય રીતે થાય અને શ્વાસનળીનો સોજો કાયમી ના થઇ જાય. ભારે દમની સારવાર તો નિષ્ણાત ડોક્ટર પાસે જ કરાવવી સલાહભર્યુ છે. 

વાતાવરણની એલર્જી : ઘણી વખત દર્દીને વાતાવરણના કોઇક ઘટકની એલર્જી હોય છે અને જો દર્દી આ ઘટકથી દૂર ના રહી શકતુ હોય અથવા આ ઘટક વાતાવરણમાંથી દૂર કરી શકાય તેમ ના હોય તો દમ કાબુમાં આવતો નથી. તેથી આવા દર્દીને એલર્જી ટેસ્ટ કરીને વાતાવરણમાંના કયા ઘટકની એલર્જી છે તે તપાસ કરવી પડે છે અને તેની રસી બનાવીને સારવાર આપવામાં આવે છે. આ સારવારને ઇમ્યુનોથેરપી કહે છે. અને આ સારવારથી ૫૦ ટકા દર્દીઓને લાભ થાય છે.

એલર્જિક શરદી : ઘણી વખત દર્દીને દમની સાથે એલર્જિક શરદી પણ હોય છે. જો આવા દર્દીને સાથે સાતે શરદી કાબુમાં ના લેવામાં આવે તો દમ પણ કાબુમાં આવતો નથી. આવા દર્દીને દમ અને શરદીની સારવાર સાતે કરવી પડે છે.

ફેફસામાં ચેપ હોવો : ઘણી વખત ફેફસામાં અથવા તો સાઇનસમાં કોઇ ચેપ હોય અને તે કાબુમાં ના લેવામાં આવે ત્યાં સુધી દમ કાબુમાં આવતો નથી.

એસિડિટી : આ ઉપરાંત ઘણી વખત દર્દીને સખત એસિડિટી હોય અથવા તો હોજરીમાંથી ખોરાક પાછો અન્નનળીમાં આવતો હોય તો પણ દમ કાબુમાં આવતો નથી. આથી જો દર્દીને આવી તકલીફ હોય તો તેની સારવાર કરવાથી દમ કાબૂમાં આવી જાય છે. 

નિદાન બરાબર ના હોવું : ઘણી વાર દર્દીને અન્ય કોઇ રોગ હોય પરંતુ લક્ષણો દમ જેવા હોવાથી દમનું ખોટું નિદાન થયુ હોય તો પણ દર્દીના લક્ષણો કાબુમાં આવતા નથી. આવા કેસમાં રોગનું સાચુ નિદાન કરવાથી અને તેની સાચી સારવાર આપવાથી લક્ષણો કાબુમાં આવી જાય છે.

સ્ટીરોઇડ રેઝીસ્ટન્સ : છેલ્લે દર્દીને સ્ટીરોઇડ રેઝીસ્ટન્સ હોય તો પણ દમ કાબુમાં આવતો નથી. સ્ટીરોઇડ રેઝીસ્ટન્સ એટલે કે એવો દમ કે જેમાં પમ્પ પૂરતી માત્રામાં અન્ય દવાઓ મોઢાવાટે અને મોઢા વાટે સ્ટીરોઇડ ભારે માત્રામાં આપવામાં છતાં જો દમ કાબુમાં ના આવે તો તેવા દમને સ્ટીરોઇડ રેઝીસટન્સ અસ્થમાં કહે છે. ખરેખર જોવા જઇએ તો સ્ટીરોઇડ રેઝીસ્ટન્સ બહુ જ ઓછા દર્દીઓમાં જોવા મળે છે. તેની દવા ખૂબ જ મોંઘી હોય છે. તેથી આપણા દેશમાં ઘણા દર્દીઓ આ દવા વાપરી શકતા નથી. 

આમ ભારે દમનાં મોટા ભાગના કારણો સરળતાથી કાબુમાં લઇ શકાય છે. ટૂંકમાં કહીએ તો ભારે દમની સારવાર સરળ છે. દર્દીઓને જરૂર છે માત્ર યોગ્ય નિદાની, યોગ્ય સારવારની અને યોગ્ય માર્ગદર્શનની.