છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.

મારે જો રોગની પસંદગી કરવાની હોય તો હું પીડાદાયક રોગ થાય તેવું ઇચ્છું, કારણ કે દદર્ના કારણે હું તાત્કાલિકપણે સારવાર લેવા દોડી જઈશ. પણ મને જો કોઈ જ પ્રકારનાં પ્રાથમિક ચિહ્નો વિનાનો રોગ થાય, તો મારી જાણકારીની બહાર મારા શરીરને હાનિ પહોંચતી રહે. હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ મેલાઇટસ આ પ્રકારના રોગ છે. શરૂઆતમાં દર્દીને થોડાં લક્ષણો વરતાય કાં તો કોઈ જ લક્ષણો ન જણાય. પણ છતાંય હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ શરીરને ધીમે ધીમે ઈજા પહોંચાડે છે. આથી જ તેમને ‘સાયલન્ટ કિલર્સ’ એટલે કે ‘છૂપા કાતિલ’ કહેવામાં આવે છે. 

જો આનું નિદાન વહેલું થાય અને દદર્ી તે બીમારીઓનો તાત્કાલિક ઇલાજ કરાવે તો આ બીમારીઓથી પીડિત દદર્ીઓ અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ આ બે વગેરેની જિંદગીમાં કોઈ ખાસ ફેર રહેતો નથી. પરંતુ આ બે ‘છૂપા કાતિલોનો’ સમયસર અને બરોબર ઇલાજ ના થાય તો બીજી ઘણી બધી બીમારીઓ સર્જાય છે. 

તમને કોઈ જ જાતનાં લક્ષણ કે દર્દી, તાવ જેવી તકલીફ ન હોય, તો પણ તમને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ હોઈ શકે છે — તે વાત માનવી થોડી આકરી લાગે. અને તદુપરાંત તમારા ડૉક્ટર તમને કહે કે તમારે વજન ઘટાડવાનું, ખારી અને ગળી વસ્તુઓ ઓછી ખાવાની અને દવા લેવાની ત્યારે તમને શરૂઆતમાં સ્વાભાવિક છે કે નવાઈ પણ લાગે. કદાચ તમે ડૉક્ટરની સલાહ ના પણ સ્વીકારો. 

પણ સારવાર શરૂ કરવાનો આ જ સર્વોત્તમ સમય છે. આ સમયે તમે ઇલાજ શરૂ કરો તો તમારી જીવનરેખા લાંબી થાય છે અને લાંબી માંદગીમાંથી તમે બચો છો. 

સારાંશમાં એમ કહેવાય કે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ મેલાઇટસની બીમારીઓનું વહેલામાં વહેલું નિદાન થવું જોઈએ અને બેઉનો વહેલામાં વહેલી તકે ઇલાજ શરૂ થવો જોઈએ. 

હાઈ બી.પી. (લોહીનું ઊંચું દબાણ)

લોહીનું દબાણ એટલે જે જોરથી લોહી રક્તવાહિનીઓની દીવાલ તરફ ધકેલાય છે, તે. તેનાં બે મૂલ્યો હોય છે –સિસ્ટોલિક અથવા ઉપરનું દબાણ ૧૨૦ મિ.મિ. મર્ક્યુરી હોવું જોઈએ અને ડાયાસ્ટોલિક અથવા નીચેનું દબાણ ૮૦ મિ.મિ. મર્ક્યુુરી હોવું જોઈએ. આ મૂલ્યોને ૧૨૦/૮૦ તરીકે લખાય છે. 

લોહીના દબાણનાં આનાથી વધારે મૂલ્યો હોય, એટલે કે લોહીનું દબાણ ૧૪૦/૯૦ કરતા વધારે હોય તો તેને હાઈપરટેન્શન અથવા હાઇ બ્લડપ્રેશર (એચ.બી.પી.) કહેવાય છે. તેનો અર્થ એ છે કે તમારી ધમનીઓમાં લોહીનું દબાણ સતતપણે સામાન્ય કરતાં વધારે રહે છે અને તેનો ઇલાજ પરેજી તેમજ દવા વડે થવો જોઈએ. 

સ્વસ્થ વ્યક્તિમાં પણ લોહીનું દબાણ ચોક્કસ ૧૨૦/૮૦ હોવું જરૂરી નથી. તમારાં કામ અને સંવેદનાઓમાં થતાં ફેરફાર મુજબ દર મિનિટે દબાણ બદલાતું રહે છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓમાં પણ દાદર ચડવાથી, ગુસ્સો કરવાથી, કસરત કરવાથી તથા અન્ય કાર્યોથી લોહીનું દબાણ વધી જતું હોય છે. 

કોને થઈ શકે?

અનેક સંશોધન પછી પણ એ વાત સ્પષ્ટ થતી નથી કે અમુક લોકોને હાઈ બી.પી. થાય છે અને બીજા લોકોને સારું બી.પી. રહે છે. પણ એ સ્પષ્ટ છે કે જે લોકોનું વજન ખૂબ જ વધારે હોય અથવા જેમને ડાયાબિટીસ હોય છે અથવા જે લોકો તણાવયુક્ત જિંદગી જીવતા હોય તથા જેમના કોઈ સગાને હાઈ બી.પી. હોય, આવા લોકોને સામાન્ય રીતે હાઈ બી.પી. થાય છે. બીડી-સિગારેટ પીનારા અથવા સ્થૂળ પ્રકૃતિની વ્યક્તિઓમાં હાઈ બી.પી. થવાની શક્યતા વધારે રહે છે.