કોરોના વાયરસ રોગ ર૦૧૯ અથવા કોવિડ૧૯ એ ચેપી રોગ છે જે તાજેતરમાં જ શોધાયેલ નોવેલ કોરોના વાયરસ દ્વારા ફેલાય છે. આ નવા વાયરસથી થતા રોગની સૌ પ્રથમ શરૂઆત ડિસેમ્બર ર૦૧૯ માં ચીનના વુહાન પ્રાંતમાં થઈ હતી. પરંતુ ત્યારબાદ તે ભારત દેશ સહિત ૧૯૦ થી વધુ દેશોમાં ઝડપથી ફેલાયો છે ,અને હજી પણ ફેલાય રહ્યો છે.

કોવિડ૧૯ નો રોગ નીચે જણાવેલી રીતે રોગથી પીડિત વ્યકિતમાંથી અન્ય વ્યકિતમાં ફેલાઈ શકે છે.

 • રોગથી પીડિત વ્યકિતના હાથને સ્પર્શ કરવો અથવા તેની સાથે હાથ મિલાવ્યા બાદ તમારા હાથ ધોતા પહેલાં તમારા મોં, નાક અથવા આંખો ને સ્પર્શ કરવો.
 • કોવિડ૧૯ વાળા વ્યકિતને ખાંસી, છીંક,આવે તો તેમના દ્વારા વાયરસ હવામાં ડ્રોપ્લેટ ના સ્વરૂપમાં ફેલાય છે અને અન્ય લોકો શ્વાસ લેતા હોય ત્યારે તેમનામાં ફેલાય છે.

આ વાયરસના ચેપના સૌથી સામાન્ય લક્ષણો તાવ, થાક, અને સૂકી ખાંસી છે. કેટલાક દર્દીઓમાં માંસપેશીઓમાં દુખાવો અથવા શરદી, છીંક, ગળામાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. મોટાભાગના લોકોમાં હળવા લક્ષણો હોય છે અને કોઈ વિશેષ સારવારની જરૂર વગર સ્વસ્થ થાય છે. એક અંદાજ મુજબ દર દશમાંથી એક કે બે વ્યકિત ગંભીર રીતે બિમાર પડે છે. જેના કારણે ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ, .આર.ડી.એસ અને અંતે મૃત્યું પણ થઈ શકે છે.ખાસ કરીને ડાયાબિટીસવાળા દર્દીઓ, મોટી ઉંમરના દર્દીઓ, કેન્સર, હદયરોગ, કિડનીના રોગ, અને ફેફસાની બિમારી ધરાવતા લોકોમાં આ વાયરસ વધુ ગંભીર લક્ષણો અને સમસ્યાઓ પેદા કરી શકે છે. ડાયાબિટીસના લોકોને સામાન્ય રીતે આ વાયરસનો ચેપ લાગવાની સંભાવના અન્ય લોકો જેટલી જ હોય છે. પરંતુ આ વાયરસનો ચેપ ડાયાબિટીસના દર્દીઓમાં ગંભીર લક્ષણો અને સમસ્યાઓ પેદા કરી શકે છે. આ વાઈરસ ના ચેપને કારણે લોહીમાં ગ્લુકોઝનુ પ્રમાણ વધઘટ થવાની શકયતાઓ રહે છે

તદ્‌ઉપરાંત ખાસ કરીને ટાઈપ૧ ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબીટિક કીટોએસિડોસિસ (ડી.કે.)નું જોખમ વધે છે, અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ નિવડી શકે છે.

જો તમને ડાટાબિટીસ હોય અને તમને ખાંસી, તાવ, અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા આ બિમારીના લક્ષણો હોય તો તમારે તાત્કાલિક તમારા ડોકટર અથવા સ્થાનિક આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો જોઈએ.

બિમારીના દિવસોમાં ડાયાબિટીસની સારવાર માં ધ્યાનમાં રાખવાની બાબતોઃ બિમારી વખતે ડાયાબિટીસની સારવાર કેવી રીતે કરવી તે બાબતે તમારા ડોકટર સાથે ચર્ચા કરવી તમારા માટે ખૂબ જરૂરી છે.

 • વધુ પ્રમાણમાં પ્રવાહી પીવો અને ડીહાઈડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખો.
 • નિયમિત અંતરે થોડું થોડું ખાવાની પ્રકિટસ કરો. જો તમને પુરતા પ્રમાણમાં પ્રવાહી અને ખોરાક લેવામાં તકલીફ થઈ રહી હોય અથવા ઉલ્ટી થાય તો તાત્કાલિક તમારા ડોકટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
 • તમારી દવાઓ અંગે તમારી ડાયાબિટીસ કેર ટીમની સલાહને અનુસરો.
 • નિયમિત રૂપે ઘરે ગ્લુકોમીટરથી લોહી માં ગ્લુકોઝ માપો ,
 • લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાના લક્ષણો જેમ કે સામાન્ય કરતા વધું પેશાબ લાગવો, વધારે તરસ લાગવી, થાક લાગવો) થી પરિચિત રહો અને જાે તમને આ લક્ષણો જણાય તો તરત તમારા ડોકટરનો સંપર્ક કરો.
 • જો તમને ટાઈપ૧ ડાયાબિટીસ છે, તો તમારા લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ઓછામાં ઓછા દર ચાર કલાકે માપો જો તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો તમને વધારાના ઈન્સ્યુલિન ની જરૂર પડી શકે છે. જો લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ સળંગ બે વખત ર૪૦ મિલીગ્રામ કરતા વધારે છે તો પેશાબમાં કીટોન ચેક કરો. જો તમને ડાયાબીટિક કીટોએસિડોસિસ ના લક્ષણો (જેમકે પેટમાં દુખાવો, ઉબકા, ઉલ્ટી) જણાય તો તાત્કાલિક તમારા ડોકટર અથવા નજીકની હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
 • લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ધટી જવાના લક્ષણો (જેમ કે પરસેવો થવો, એકદમ ભૂખ લાગવી, આંખની સામે અંઘારા આવવા, ધ્રુજારી થવી, નબળાઈ લાગવી વગેરે) થી વાકેફ રહો. જો તમને આ લક્ષણો જોવા મળે અથવા લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ૭૦ મિલીગ્રામ થી ઓછું હોય તો તરત જ ૧પ ગ્રામ સરળ કાર્બોદિત પદાર્થ લેવો.
 • નિયમિત રીતે તમારા હાથ સાફ કરો. તમારી ઈન્જેકશન લેવાની અને ગ્લુકોજ માપવાની જગ્યાઓ પાણી અને સાબુ અથવા સ્પિરીટ થી સાફ કરો.

ડાયાબિટીસના દર્દીઓએ ચેપ લાગવાની સ્થિતીમાં રાખવાની પૂર્વ તૈયારીઓઃ

 • તમારા ડોકટરો, હોસ્પિટલ, દવાની દુકાન અને તમારી વીમા અંગેની માહિતી હાથવગી રાખો.
 • તમારી દવાઓના નામ અને ડોઝ લખી રાખો.
 • ખાતરી કરો કે તમારી પાસે પુરતા પ્રમાણમાં બધી દવાઓ છે. તમારી પાસે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધીની વધારે દવાઓ હોવી જોઈએ
 • ઈન્સ્યુલીનના ઈંજેકશન અથવા કાર્ટિઝ, ગ્લુકોમીટરની સ્ટ્રીપ, પેનની નિડલ, ઈન્સ્યુલીનની સિરીંજ જેવી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં રાખો.
 • તમારી પાસે પુરતા પ્રમાણમાં સાબુ, હેન્ડ સેનિટાઈઝર હોવા જોઈએ. જો ન હોય તો વધારાના પુરવઠાને ભેગો કરો.
 • હાઈપોગ્લાયસિમીયા ની સારવાર માટે જરૂરી ગ્લુકોઝની ગોળીઓ, ગ્લુકોઝ પાવડર અથવા પીપરની ગોળીઓ પુરતા પ્રમાણમાં હાથવગી રાખો.
 • જો તમને ટાઈપ ૧ ડાયાબિટીસ હોય તો કીટોનસ્ટ્રીપ્સ પોતાની પાસે રાખો.
 • તમારે બિમારી દરમિયાન શુ કરવાનું છે તેની બરાબર રીતે નોધ રાખો.