વિશ્વમાં દર વર્ષે ૧ કરોડ ૮૦ લાખ કેન્સરના નવા કેસનું નિદાન થાય છે, અને ૯૬ લાખ દર્દીઓ કેન્સરથી મૃત્યું પામે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર કેન્સર રીસર્ચ (IARC) પ્રમાણે દર પાંચ પુરૂષમાંથી એકને અને દર છ સ્ત્રીમાંથી એકને તેના જીવનકાળ દરમ્યાન કેન્સર થાય છે.
દર આઠ પુરૂષમાંથી એકનું અને દર અગીયાર સ્ત્રીમાંથી એકનું મૃત્યુ કેન્સર થી થાય છે. આપણા ભારતવર્ષમાં દર વર્ષે ૧ર લાખ કેન્સરના નવા કેસનું નિદાન થાય છે, અને ૭૮૦૦૦ દર્દીઓના મૃત્યુ દર વર્ષે કેન્સરથી થાય છે.
આપણા ભારતવર્ષમાં દર વર્ષે ૧ર લાખ કેન્સરના નવા કેસનું નિદાન થાય છે, અને ૭૮૦૦૦ દર્દીઓના મૃત્યુ દર વર્ષે કેન્સરથી થાય છે.
એક અનુમાન પ્રમાણે પાંચ વર્ષમાં આપણા દેશમાં દર વર્ષે આશરે રર લાખ નવા કેન્સરના કેસોનું નિદાન થશે.
જયારે કોઈપણ દર્દીનું કેન્સરના રોગનું નિદાન થાય છે તો આખુ કુટુંબ ભાંગી પડે છે બધા તણાવમાં આવી જાય છે, દોડા દોડ કરી મૂકે છે અને જાત જાતના નુસખા અપનાવે છે અને ઉંટવૈદ્યો પાસે સારવાર કરાવે છે. પરંતું કેન્સરના રોગથી ડર્યા વગર તેને પણ ડાયાબીટીસ, હદયરોગ વગેરે રોગ જેવો એક રોગ ગણી તેની સારવાર અનુભવી, નિષ્ણાત તબીબ પાસે કરાવવી જોઈએ.
શું કેન્સર ચેપી રોગ છે ?
- ના કેન્સર ચેપી રોગ નથી,પરંતું ફેફસાનો ટીબી, સ્વાઈન ફલું જેવા રોગો શ્વાસ દ્વારા ફેલાતા હોવાથી તે ચેપી છે.
શું કેન્સર વારસાગત છે ?
- મોટાભાગના કેન્સર જેવા કે સ્તન કેન્સર, આંતરડાના કેન્સર વગેરેમાં આનુવંશિક પરીબળો જવાબદાર છે.
- પરંતું દરેક વ્યકિતને વારસામાં કેન્સર મળે જ તેવી કોઈ બીક રાખવાની જરૂર નથી. દા.ત.માતાને સ્તન કેન્સર થાય તો તેની દિકરીઓએ સ્તન કેન્સરની નિયમિત તપાસ કરાવવી જોઈએ, જેથી કરીને વહેલા તબકકામાં કેન્સરનું નિદાન થઈ શકે અને સારવાર થઈ શકે કેન્સર મટી શકે.
કેન્સર કોને થઈ શકે ?
- કેન્સર નાના બાળકથી લઈને વૃધ્ધ અને કોઈપણ સ્ત્રી કે પુરૂષને થઈ શકે.
શું કેન્સરને વ્યસન સાથે સબંધ છે ?
- ચોકકસ સબંધ છે. તમાકુ, બીડી, સોપારીનું વ્યસન કરનારને મોં, ગળાના કેન્સરની શકયતા વ્યસન ન કરનાર કરતાં ઘણી વઘારે છે, દારૂના વ્યસનીને લીવરના રોગો થઈ શકે છે.
શું કેન્સર મટી શકે ?
- જો કેન્સરનું નિદાન પહેલા તબકકામાં કરાવવામાં આવે અને નિષ્ણાત તબીબ પાસે તેની સારવાર કરાવવામાં આવે તો અમુક પ્રકારના કેન્સર ચોકકસ મટી શકે છે અને કેન્સરમુકત થયા પછી દર્દી પોતાનું જીવન બીજા માણસની જેમ જીવી શકે છે.
કેન્સરના રોગ માટે શું સાવચેતી રાખવી ?
- આપણામાં કહેવત છે કે ચેતતો નર સદા સુખી
- નિયમિત શારીરીક તપાસ નિષ્ણાત ડોકટર પાસે કરાવવી જોઈએ.
- દારૂ, તમાકું, સોપારી,બીડીનું વ્યસન બંધ કરવું અથવા શરૂ જ ન કરવું
- પૈાષ્ટિક આહાર લેવો.
- શરીરનું વજન નિયંત્રિત રાખવું
આમ છતાં પણ જો કોઈપણ પ્રકારના નીચે જણાવેલ લક્ષણો જણાય તો ગભરાયા વગર નિષ્ણાત પાસે નિદાન અને સારવાર કરાવવી. જરૂર નથી કે આ લક્ષણો કેન્સર ના જ હોઈ શકે પરંતું તેને અવગણવા પણ ન જોઈએ.
- તમાકુ, બીડી, સોપારીના વ્યસનીને મોં માં ચાંદા પડે, જમવાનું તીખું લાગે, મોં ઓછું ખૂલે તો તપાસ કરાવવી.
- ખોરાક ઉતારવામાં તકલીફ પડે.
- ઝાડા, પેશાબની અનિયમિતતા થાય કે તેમાં રકતસ્ત્રાવ થાય.
- શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ થાય, ચાંદી પડે જેની રૂઝ ન આવે તો તુરંત નિદાન કરાવવું.
- સામાન્ય ઉપચાર કરવા છતાં ખાંસી ન મટે તો જરૂર તપાસ કરાવવી.
- મસો, તલ વગેરેના કદ, આકારમાં ફેરફાર થાય અથવા તેમાંથી લોહી નીકળે
- બહેનોને સ્તનમાં ગાંઠ થાય અથવા માસિક ધર્મ બંઘ થયા પછી રકતસ્ત્રાવ ફરી શરૂ થાય તો નિદાન કરાવવું જોઈએ.
- વહેલું નિદાન તથા સંપૂર્ણ સારવાર નિષ્ણાત તબીબ પાસે થાય તો સચોટ પરિણામ મળવાની સંભાવનાઓ વધી જાય છે.