હૃદય રોગની સારવારમાં ઉપયોગી હાઈબ્રીડ પ્રક્રિયા હાઈબ્રીડ પ્રક્રિયા શું છે?

પૌરાણિક સમયથી જ સંકર એટલે કે હાઈબ્રીડ હંમેશા ઉત્સુકતા અને કૌતુકનો વિષય રહ્યો છે. વિવિધ પ્રાણીઓના શરીરના અલગ અલગ હિસ્સાને જોડીને તૈયાર થયેલ એક કાલ્પનિક પ્રાણી એટલે હાઈબ્રીડ. નીચેનું ચિત્ર આ વ્યાખ્યાને ચરિતાર્થ કરે છે. અહીં દર્શાવેલ પ્રાણી એસિરીયન શાડુ તરીકે ઓળખાય છે. જે બળદનું શરીર, પાંખો અને માનવનું શીર્ષ ધરાવે છે. આ તમામ ભાગો સાથે મળીને જે પ્રાણી તૈયાર થયું તે વિશિષ્ટ શક્તિ ધરાવતું હતું.

જો આજ વ્યાખ્યા આપણે હૃદય રોગની સારવારમાં ઉપયોગમાં લઈએ તો આપણને મળે છે હાઈબ્રીડ કાર્ડિયાક પ્રક્રિયા જે ઓપન હાર્ટ સર્જરી ટેકનિક અને કોરોનરી એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ જેવી કેથેટર આધારીત ઈન્ટરવેશનનું સંયોજન છે જેનાથી દર્દીઓ માટે લેસ ઈન્વેસીવ ઓપરેશન શક્ય બને છે.

સ્ટેન્ટ અને બલૂન એન્જીયોપ્લાસ્ટી

તમે આ ટેકનોલોજી વિશે વધુ ઝડપથી સમજો તે માટે અહીં હું થોડી વિગતો ઉમેરવા ઈચ્છું છું. ઓક્સિજનયુક્ત રક્ત હૃદયના સ્નાયુ સુધી લઈ જતી ધમનીઓમાં ગંભીર અવરોધ (સ્ટેનોસીસ) થવાથી કોરોનરી આર્ટરી ડિસીઝ થાય છે. માનવીય હૃદયમાં ત્રણ મુખ્ય ધમનીઓ હોય છેઃ  રાઈટ કોરોનરી આર્ટરી (આરસીએ) અને લેફ્ટ કોરોનરી આર્ટરી (એલસીએ) જે લેફ્ટ એન્ટિરીયર ડિસેન્ડિંગ (એલએડી અને સર્કમફ્લેક્સ આર્ટરી (સીએક્સ)માં પ્રવેશવાની સાથે જ વિભાજીત થાય છે. આ ધમનીઓમાં બ્લોકેજ અંગે તબીબી રિપોર્ટ અંગે વધુ સમજૂતી માટે નીચેનું હૃદયનું ચિત્ર જુઓઃ

જ્યારે રિપોર્ટમાં આવે કે તમને ‘ટ્રીપલ વેસલ ડિસીઝ’ છે, તેનો અર્થ એ થાય છે કે ત્રણેય મુખ્ય રક્તવાહિનીઓ (એલએડી, સીએક્સ અને આરસીએ) અથવા તો તેમની શાખાઓમાં વધુ કે ઓછા ગંભીર બ્લોકેજીસ છે. જો તેમાં આવે કે “લેફ્ટ મેઈન ડિસીઝ”  છે તો તેનો અર્થ થાય છે કે એલસીએ એ એલએડી અને સીએક્સમાં વિભાજીત થાય તે પહેલાં તેમાં બ્લોકેજ છે.  આ એક ગંભીર સમસ્યા છે જે ઘણીવાર “વિડો મેકર” ના હુલામણા નામથી પણ ઓળખાય છે, તેને હૃદયના નિષ્ણાતની તાત્કાલિક સારવારની જરુર હોય છે.  તેને જો પ્લમ્બીંગના સંદર્ભમાં વિચારીએ તો, જેટલો અપસ્ટ્રીમ બ્લોકેજ હોય તેટલું જ હૃદયના સ્નાયુઓને જોખમ વધારે હોય છે.  પ્લમ્બીંગની ભાષામાં કહીએ તો જો તમે તમારા બેઝમેન્ટમાં પાણીનો પ્રવાહ બંધ કરી દો તો તમારા ઘરમાં બીજે ક્યાંય પાણી નહીં આવે.  સીંગલ, ડબલ, ટ્રીપલ વેસલ ડિસીઝ તેમ જ લેફ્ટ મેઈન ડિસીઝ ધરાવતા ઘણાં દર્દીઓને જીવન બચાવવા માટે કોરોનરી બાયપાસ સર્જરીની જરૂર પડે છે અને તેઓ આ રોગ માટે મિનીમલી ઈન્વેસિવ હાઈબ્રીડ થેરાપી માટે આદર્શ ઉમેદવારો પુરવાર થઈ શકે છે.

પહેલા અવરોધાયેલી કોરોનરી ધમનીમાં રક્તનો પ્રવાહ ફરી શરૂ કરવા માટે બાયપાસ સર્જરી એ જ એકમાત્ર રસ્તો હતો.  ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટીની તકનીકની શોધ થઈ અને કોરોનરી ધમનીના રોગોના ઉપચારમાં તેનો ઉપયોગ થયો.  એક  પાતળા કેથેટરને તેની ટોચ પર ફુલાવી શકાય તેવા બલૂન સાથે બ્લોક થયેલ ભાગમાં અંદર નાખવામાં આવે છે અને બલૂનને ફૂલાવીને બ્લોક  થયેલો ભાગ ખેંચીને ખોલી દેવામાં આવે છે. તે એક સારો વિકલ્પ હતો, પરંતુ તેમાં એક નોંધપાત્ર સમસ્યા પણ હતી. એન્જિયોપ્લાસ્ટી પછી ઘણીવાર ખેંચાયેલા અવરોધ  ફરી સંકુચિત થઈ જતા (જે  રીસ્ટેનોસિસ તરીકે ઓળખાય છે) અને દર્દીઓ ફરીથી તેવા જ કે તેથી પણ વધુ છાતીના દુખાવા અથવા હૃદય રોગના હુમલા જેવી સમસ્યાઓ સાથે પાછા ફરતા.  રીસ્ટેનોસિસ રોકવા માટે કંઈક કરવાની જરૂર હતી. અમારા ક્ષેત્રમાં શોધકર્તાઓનું મગજ ’મિકેનિકલ’ હોય છે.  અને તેના નવા વિકલ્પ તરીકે એક વિસ્તૃત થઈ શકે તેવા વાયર મેશ ટ્યૂબની ડિઝાઈન કરવામાં આવી કે જેને બ્લોકેજવાળા ભાગમાં એક માળખા તરીકે કાર્ય કરે અને તેને ખુલ્લો રાખીને જ રીસ્ટેનોસિસ થતું રોકે.